Tuesday, August 22, 2006

દાદા

વડવાઈની વચ્ચે જેનું ખોવાયું છે થડ,
એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ.

ભાગદોડના દિવસો તો ભાગીને દોડી ગયા,
જીર્ણ શરીરે કરચલીઓના નકશા છોડી ગયા.

અવગણનાએ સીમા બાંધી દાદાજીની ફરતે,
દાદા સાથે સમય અજાણ્યા માણસ માફફ વર્તે.

જીવન નિર્ભર, નિરુપયોગી થયું - એટલે સસ્તું,
દાદા વ્યક્તિમાંથી જાણે બની ગયા એક વસ્તુ.

તન અને મન એકમેકની છોડાવે પક્કડ -

દાદાએ પોતાનાં સૌને એક તાંતણે બાંધ્યા,
અલગ અલગ ટુકડાને કૂણી લાગણીઓથી સાંધ્યા.

અંગત અંગત ઈચ્છાઓ સૌ-સૌને રસ્તે ચાલી,
દાદાજીની આંખોમાંથી થયો બગીચો ખાલી.

લાંબુ જીવતર એ જ રોગ, જે શાપ બનીને ડંખે,
દાદા સઘળાં દુ:ખ સહીને સૌના સુખને ઝંખે.

સંબંધોની સુગંધ ખાતર સળગે એક સુખડ -

કટકે કટકે દીધું પાછું, લીધું જે ઉછીનું,
એકસામટું એક દિવસ દઈ દેવાનું બાકીનું.

ટેકો દેતાં ‘પગ’ને રાખી દીવાલને આધારે,
આંખ, કાન ને દાંતને અસલી ચહેરેથી ઉતારે.

થાકેલી ઘડિયાળને આપે ધ્રૂજતે હાથે ચાવી,
ઊંડા અંધારે નાનકડા દીવાને સળગાવી.

નમી પડેલા ખાટલે છોડે વળી ગયેલું ધડ -

બચ્ચાંની ધીંગામસ્તીને ગયું ઉપાડી ભણતર,
પરીકથાઓ પલકવારમાં બની ગઈ પાનેતર.

લાલ હથેળી લઈને - ટૂંકી જીવનરેખા ચાલી,
ધીમે ધીમે સાંજે સાંજે થયા બાંકડા ખાલી.

રોજ સવારે વાંચી લે અખબારનું છેલ્લું પાનું,
મળે નહીં અવસાનનોંધમાં નામ ક્યાંય પોતાનું.

અણગમતી આ એકલતાનું એ જ હવે ઓસડ -
એક લાકડી ઉપર ઊભો દાદા નામે વડ.

શ્યામલ મુનશી

1 comment:

Hitarth Jani said...

Thanks Very Much Amish Bhai!!